અમદાવાદ : અમદાવાદમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. પરંતુ બીજી લહેર ખૂબજ ઝડપથી નિયંત્રણમાં આવી રહી છે. હવે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષા ચાલકોને વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે. જો વેક્સિન ના લીધી હોય તો RTPCRનો રીપોર્ટ ફરજીયાત બતાવવો પડશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 12 જૂનથી 11 જુલાઈ સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેએ જણાવ્યું હતું કે, કેટલાક નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ત્રીજી લહેરની આગાહી પણ કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં કંટ્રોલમાં આવેલું સંક્રમણ વધે નહીં તે માટે જાહેરનામું બહાર પાડવામા આવ્યું છે. જેમાં જિલ્લાના દુકાનદારો, વેપારીઓ, ફેરિયાઓ, લારી- ગલ્લાવાળાઓ, રિક્ષા અને ટેક્સીચાલકો, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, હેરકટિંગ સલૂન, ખાનગી સિક્યુરિટી ગાર્ડ, શોપિંગ કોમ્પલેક્સના વેપારી અને છુટક મજુરી કરતા કામદારોએ રસીકરણ આવશ્યક રીતે કરાવવું પડશે. તેમણે રસી નહીં લીધી હોય તો RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ છેલ્લા 10 દિવસ નો હોવો જોઈએ.
સેકટર 1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હવે નિયંત્રણો ઓછા થયા છે. વેપારીઓ હવે સુપર સ્પ્રેડર ન બને તેને લઈ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે. શહેર પોલીસ અને AMC દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. જે નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બે ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કરશે અને જો કદાચ ન લીધા હોય તો તેમને વેપાર ન કરવા દેવાય તેવું પણ થઈ શકે છે.