વાવાઝોડાની પરિસ્થિતિને પગલે મિનિ લોકડાઉન વધુ ત્રણ દિવસ લંબાવ્યું રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ , ત્રણ દિવસ બાદ નવો નિર્ણય જાહેર કરાશે


ગુજરાત : રાજ્યમાં આવનારા તાઉ -તે વાવાઝોડાને પગલે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કન્ટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. અહીં પોલીસ, NDRF સહિત દરેક વિભારના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યાં છે. હાલમાં વાવાઝોડુ રાજ્યના દરિયાકાંઠે ટકરાવાને થોડા અંતરમાં જ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. 18 મે 2021થી રાત્રે 8 વાગ્યાથી 21મી મે 2021ની સવારે 6 વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાવઝોડાની પરિસ્થિતિ અને તંત્ર હાલ કામમાં હોવાથી મિનિ લોકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનોનો સમાવેશ થાય છે. જ્યારે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.

રાજ્યમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસિસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.