કેજરીવાલ સરકાર દિલ્હીમાં મફત રાશન આપશે, સંક્રમણમાં જીવ ગુમાવનારના પરિવારને વળતર અને અઢી હજાર પેન્શન આપશે

CM અરવિંદ કેજરીવાલ
દિલ્હી : અરવિંદ કેજરીવાલ સરકારે કોરોના મહામારીનો સામનો કરી રહેલી દિલ્હી જનતા માટે 4 મોટી જાહેરાત કરી છે. જેમા મફત રાશન, મોત પર વળતર અને પીડિત પરિવારને પેન્શન જેવી રાહતનો સમાવેશ થાય છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે અને ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે. ભ્રષ્ટાચાર ઓછો થવાથી જે પૈસાની બચત થઈ છે, તેનાથી આ જાહેરાત પૂરી કરીશું. લોકડાઉનથી લોકોની રોજગારી જતી રહી છે. ઘણા પરિવારમાં કમાનાર વ્યક્તિનું મોત થયું છે. અમે આશા કરીએ છીએ કે આ જાહેરાતથી લોકોને ઘણી રાહત મળશે.

પ્રથમ જાહેરાત : કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર 72 લાખ લોકોને 5 કિલો રાશન આપે છે, આ મહિને આ રાશન મફત અપાશે. 5 કિલો દિલ્હી સરકાર અને 5 કિલો પ્રધાનમંત્રી યોજના અંતર્ગત એટલે કે કુલ 10 કિલો રાશન મફત અપાશે. એવા ઘણા લોકો છે જેમની પાસે રાશનકાર્ડ નથી, તેમને પણ રાશન અપાશે. ગત વખતે પણ અમે આવું જ કર્યું હતું, અને આ વખતે પણ કરીશું. જે રાશન માંગશે તેઓને આપીશું.

બીજી જાહેરાત: જે લોકોનું મૃત્યુ કારોનાના કારણે થયું છે, તેમના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર અપાશે. મુસિબતના સમયમાં આવા પરિવારને થોડી રાહત મળશે.

ત્રીજી જાહેરાત: ઘણા એવા પરિવાર છે જેમાં કમાનાર વ્યક્તિનું સંક્રમણથી મોત થયું છે.આવા પરિવારને 50 હજારના વળતર ઉપરાંત દર મહિને અઢી હજારનું પેન્શન અપાશે.

ચોથી જાહેરાત: કોરોનાના કારણે જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. તેઓને મહિને અઢી હજાર અપાશે. તેઓ 25 વર્ષના થાય ત્યાં સુધી આ સહાય કરાશે. આ ઉપરાંત તેઓને મફત શિક્ષણ અપાશે.