પ્રીતિકાત્મક તસ્વીર |
ગુજરાત : રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી માહિતી આપતાં જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ધીમું પડી રહ્યું છે. ગઈકાલે 160ની ગતિએ ત્રાટકેલા વાવાઝોડાની સ્પીડ હવે 100ની થઈ ગઈ છે. આ વાવાઝોડું બપોર સુધી અમદાવાદ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પરિણામે, આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આજે મધરાત બાદ કે કાલે વહેલી સવાર પછી વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાન ભણી જઈ શકે તેમ છે.
ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું 'તાઉ-તે' વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.