તાઉ-તે નામના વાવાઝોડાની અસરના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડયા, 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

તાઉ-તે વાવાઝોડાની અસર, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાત : તાઉ-તે નામનું વાવાઝોડું ઝડપથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. ગુજરાત કોસ્ટમાં 17 તારીખે પહોંચશે અને 18 તારીખે સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 152થી 160 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેશે. વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા જ અમદાવાદમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડયા છે.

તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સાઉથ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, દીવમાં 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ 18મી તારીખના રોજ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.

રાજયમાં તાઉ-તે વાવઝોડાના ભાગરૂપે અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી દ્વારા ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો મોકલવામાં આવશે. 14 જેટલી બોટ, વુડન, સ્લેબ સહિતના કટર મશીન, જનરેટર સહિતના ઉપકરણોને તપાસી લેવામાં આવ્યા છે. તમામ ઉપકરણો ચાલુ હાલતમાં છે. ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામા આવી છે. અમદાવાદ ફાયરબ્રિગેડ તાત્કાલિક મદદે પહોંચવા તમામ રીતે તૈયાર છે.