અમદાવાદ: શહેરમાં દુકાનોમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના પ્રખ્યાત આનંદ દાળવડા સેન્ટરને કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ સીલ મારવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં “તૌકતે” વાવાઝોડાની અસરના પગલે વરસાદી માહોલ છવાયો છે, એવામાં શહેરના જાણીતા આનંદ દાળવડા સેન્ટર ખાતે દાળવડા ખાવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.
સોશિયલ મીડિયામાં આનંદ દાળવડા આગળની ભીડનો ફોટો વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું. AMCની ટીમ દ્વારા આનંદ દાળવડા સેન્ટર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં, આનંદ દાળવડા સેન્ટર ખાતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નથી આવી રહ્યું. જેમાં દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓએ માસ્ક પણ નથી પહેર્યું, જ્યારે દુકાનમાં આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નથી થઈ રહ્યું. આ ટીમે કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ આનંદ દાળવડા સેન્ટર્સને સીલ મારી દીધુ.
આમ સોશિયલ ડિસ્ટન્સના તેમજ કોરોનાની કોઈપણ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવતું નહતું જેના કારણે દુકાનને સીલ કરવામાં આવી હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે જણાવ્યું છે.